અંધજનો માટે કાગળ ઉપર ચાર છિદ્રોની વિવિધ પેટર્નો દ્વારા લખવામાં આવતી લિપિ ઉપયોગમાં લેવાય છે. આ લિપિને બ્રેઇલ કહે છે. અંધજનો કાગળ ઉપર આંગળીના ટેરવાં ફેરવીને છિદ્રોના ખાડા-ટેકરા અનુભવીને અક્ષર ઓળખી શકે છે અને વાંચી શકે છે. અંધજનો માટે ઉપયોગી એવી આ શોધ લૂઈ બ્રેઇલ નામના શોધકે કરેલી. તે વિજ્ઞાાની નહોતો પરંતુ એક મહાન શોધક તરીકે પ્રસિદ્ધ થયો હતો. નવાઈની વાત એ છે કે બ્રેઇલ પોતે અંધ હતો.
બ્રેઇલનો જન્મ ઇ.સ. ૧૮૦૯ના જાન્યુઆરીની ૪ તારીખે ફ્રાન્સના કૂપ્રે ગામે થયો હતો. તેના પિતા ખેડૂત ઉપરાંત ચામડાની ચીજવસ્તુઓ બનાવતા હતા. બાળવયમાં બ્રેઇલ તેના પિતાની વર્કશોપમાં રમવા જતો. તે પાંચ વર્ષનો હતો ત્યારે આ રીતે રમત રમતમાં તેણે એક ચામડામાં લોખંડના ઓજાર વડે છિદ્ર પાડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેના હાથમાંનો સળિયો છટકીને તેની આંખમાં વાગ્યો અને જમણી આંખ ફૂટી ગઈ તેની તેના પિતાએ ઘણી સારવાર કરાવી પરંતુ જમણી આંખમાં ચેપ લાગ્યો અને તે બીજી આંખમાં પણ પ્રસરી ગયો. આમ પાંચ વર્ષની ઉંમરે તે અંધ બની ગયેલો.
અંધ હોવા છતાંય બ્રેઇલ પ્રતિભાશાળી અને બુદ્ધિમાન હતો. તે ગામના શિક્ષકો અને પાદરી તેનાથી પ્રભાવિત થયા અને તેને ભણવા મોકલવા ભલામણ કરી. ફ્રાન્સમાં વિશ્વની પ્રથમ અંધશાળા રોયલ ઇન્સ્ટિટયૂટ હતી. બ્રેઇલ આ શાળામાં જોડાયો. તે શાળાના પ્રિન્સિપાલ વેલેન્ટાઇન હોએ પોતાનું જીવન અંધ બાળકોને શિક્ષણ આપવામાં સમર્પિત કર્યું હતું. તેમણે કાગળ ઉપર ખાડા ટેકરા ઉપસાવી લિપિ બનાવેલી. બ્રેઇલે આ લિપિનો વધુ અભ્યાસ કરી નવી લિપિ વિકસાવીને જગતભરના અંધ વ્યક્તિઓને ઉપયોગી બની. બ્રેઇલ સારો સંગીતકાર હતો. તેણે સંગીતશિક્ષક તરીકે જીવન વિતાવ્યું. ઇ.સ. ૧૮૫૨ના જાન્યુઆરીની ૬ તારીખે તેનું અવસાન થયું હતું. બ્રેઇલ વિશ્વભરમાં મહાન શોધક તરીકે વિખ્યાત થયો. ઘણા દેશોએ બ્રેઇલના માનમાં ટપાલટિકિટો અને ચલણી સિક્કા બહાર પાડયા હતા.
No comments:
Post a Comment