★મહારાણી વિક્ટોરિયાના સ્વાગત માટે રાજાએ હવામહેલ બનાવવાનું સપનું જોયું હતું, જે સપનું રાજા દાજીરાજજીનું અધુરૂ રહી ગયેલું.
★વઢવાણ સુરેન્દ્રનગર જીલ્લાનું એક પૌરાણિક શહેર ગણાય છે. વઢવાણમાં રાણકદેવીનું મંદિર અને માધાવાવ જેવી ઘણી પૌરાણિક જગ્યાઓ આવેલી છે. વઢવાણ શહેર પહેલા વર્ધમાનપુરીથી ઓળખાતું હતું. જે જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના મુળ નામ વર્ધમાન પરથી પડ્યું હતું. પરંતુ સમય જતાં તે અપભ્રંશ થઈને વઢવાણ થઈ ગયું. આ શહેરનો ઈતિહાસ 2600 વર્ષથી પણ વધારે જુનો છે. અહીં મૌર્ય, ગુપ્તવંશ,ચાવડા,સોલંકી,વાઘેલા, ખીલજી,તાગલખ,મુગલ,મરાઠા અને ઝાલાના વંશજો રાજ કરી ચુક્યા છે.
★વઢવાણમાં હવામહેલ બનાવવાનું સપનું સ્વર્ગિય રાજા દાજીરાજજીનું હતું. પરંતુ આ રાજાનું હવામહેલ બનાવવાનું સપનું અધુરૂ જ રહી ગયું. દાજીરાજીએ ચાર વર્ષ, ચાર મહિના અને ચાર દિવસ વઢવાણ પર રાજ કર્યું હતું. અને તેમણે લોકોમાં પોતાની એક અલગ જ છાપ ઉભી કરી હતી. દાજીરાજજીના હવામહેલના સપના પાછળ પણ ઘટના હતી. દાજીરાજજી દેશ-વિદેશમાં ફરવાના ખુબ જ શોખીન હતા. એક વખતે મહારાણી વિક્ટોરિયાએ ભારતના ઘણા રાજાઓને સમુહ ભોજન માટે બ્રિટન આવવા આમંત્રણ આપ્યું હતું.
★મહારાણીના આમંત્રણનો સ્વીકાર કરીને જ્યારે વઢવાણના રાજા દાજીરાજજી બ્રિટન પહોંચ્યા તો એમણે જોયું કે મહારાણીએ પ્રવેશદ્વાર કંઈક એવી રીતે બનાવ્યો હતો કે બધા રાજાએ નીચે નમીને પ્રવેશ કરવો પડતો હતો. અને પ્રવેશદ્વારની સામે જ મહારણી વિક્ટોરિયાનું સિંહાસન હતું. રાજા દાજીરાજજી ખુબ જ હોંશિયાર હતા. તેમણે તરત જ પોતાની તલવાર કાઢી અને પ્રવેશદ્વારને ચીરીને અંદર પ્રવેશ કર્યો.
★આ જોઈને તરત જ મહારાણી વિક્ટોરિયા ઉભા થઈ ગયા અને રાજાની ચતુરાઈને જોઈને મહારાણીએ હસીને દાજીરાજજીનું સ્વાગત કર્યું. અને કહ્યું કે તેઓ ભારતમાં આવશે અને ખાસ કરીને વઢવાણની મુલાકાત જરૂર લેશે. ત્યારે રાજા દાજીરાજજીએ નિશ્ચય કર્યો કે તેઓ વઢવાણમાં એક અનોખો હવામહેલ બનાવશે અને મહારાણી વિક્ટોરિયાનું સ્વાગત કરશે.
★રાજા દાજીરાજજીએ વઢવાણના પશ્ચિમ છેડા પર સ્થિત ઘર્મતળાવની વચ્ચોવચ હવામહેલ બનાવવાનો નિર્ણય કર્યો.
★મહારાજાએ હવામહેલ તલઘરની સાથે બે માળ જોડીને ત્રણ માળનો બનાવવા આદેશ કર્યો હતો. હવામહેલ બનાવવા માટે સંગેમરમરના લાલ પથ્થર છેક ઈટલીથી મંગાવવામાં આવ્યા હતા. જેને સફેદ પથ્થરોની વચ્ચે લગાવીને અદભુત નકશીકામ કરવાનો વિચાર હતો.
★હવામહેલના ચારેય ખુણાઓમાં અદભુત નકશીકામ કરેલા ઝરૂખાઓ છે. જેનો આકાર અર્ધગોળાકાર છે. હવામહેલની વચ્ચોવચ એક વિશાળ હોલ પણ છે. હોલની ચારે તરફ 24 કમાન છે અને 48 નક્શીદાર સ્તંભો બનેલા છે. હવામહેલનો પ્રથમ માળ તો તૈયાર થઈ ગયો હતો. પરંતુ બીજા માળના નિર્માણનું કામ ક્યારેય આગળ વધી ન શક્યું. અને તે આજે પણ અધુરૂ જ છે. એટલું જ નહીં આજે લોકો હવામહેલના ઝરૂખાઓને ઉખાડીને લઈ જવા લાગ્યા છે.
★આમ, વઢવાણના મહારાજા દાજીરાજજીએ વઢવાણમાં એક હવામહેલનું સપનું જોયું હતું પણ તેમનું આ સપનું અધુરૂ જ રહી ગયું. અને આજે વઢવાણમાં સ્થિત આ અધુરો હવામહેલ પુરાતત્વીય વિભાગની બેદરકારીના કારણે ખંડેર હાલતમાં જોવા મળે છે...
No comments:
Post a Comment